દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌભાંડ, જમીનોનું એન.એ કૌભાંડ, નરેગામાં મસ મોટું કૌભાંડ, ચેક ડેમોમાં કૌભાંડ આચરાયાનું તો સાંભળ્યું હતું. પરંતુ હવે સામાન્ય વરસાદ બાદ રોડ રસ્તાઓનું પણ મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગામના નહીં પણ સિટીના રસ્તા પણ ખાડામય બન્યા છે. જુના નહીં, નવા રોડ પણ તૂટી ગયા છે. આમ તો ચોમાસામાં જ તમને રાજ્યના કોઈ પણ શહેરમાં મસ્ત મજાના રસ્તા જોવા મળે એવું હવે શક્ય જ નથી. કારણકે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની મોટી મોટી ગુલબાંગો પોકારતી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યાં જુઓ ત્યાં જોવા મળતી ભ્રષ્ટાચારની ગંગોત્રી જ ભ્રષ્ટાચાર મુક્ત શાસનનીગુલબાંગોને પોકળ સાબિત કરી રહી છે.
.
. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગસલી કોળી ફળિયાથી વળવાઈ ફળિયા તરફ જવાનો રસ્તો રીતસર તૂટી ગયો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, હજી માંડ અઢી મહિના પહેલા જ લાખોના ખર્ચે આ નવો નકોર રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક જ લોકોને લાગે કે ભ્રષ્ટાચારનું જ આ પરિણામ છે. આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે તદ્દન હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોવાના કારણે આ રોડ વચ્ચેથી જ ફાટ્યો છે. અને તૂટી ગયો છે. જેથી આ રોડ બાબતની ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માગણી છે. લગભગ ત્રણ કિલોમીટર સુધીનો આ રોડ એટલી હદે તૂટી ચુક્યો છે કે કેટલીક જગ્યાએ તો રોડ બિલકુલ બેસી જઈ ભ્રષ્ટાચાર ની ચાડી ખાતો જોવા મળી રહ્યો છે. જોકે ભ્રષ્ટાચાર પર ઢાંક પીછોડો કરવા કોન્ટ્રાક્ટર દ્વારા કાચો માલ લાવીને રોડ પર પાથરી દેવામાં આવ્યો છે. પણ મુદ્દો એ છે કે આખરે રાજ્યમાં ભ્રષ્ટાચારીઓ કેમ બેફામ બન્યા છે? પ્રજા વેરો ભરે અને તેના બદલામાં આવા રસ્તા? આવી કામગીરી માટે કોણ કોણ છે જવાબદાર? નવો રસ્તો તૂટી જાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક કરાશે ખરા? આવા અનેક વેધક પ્રશ્નો જન માણસમાં વાગોળાઈ રહ્યા છે. વાત માત્ર સંજેલી તાલુકાની જ નથી. ચિત્તોડગઢથી દાહોદને જોડતો રસ્તો હોય કે, પછી દાહોદ સ્માર્ટ સિટીનો રસ્તો હોય. તેમાં અનેક જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે. જોવાની વાત એ છે કે દાહોદથી ચિતોડગઢને જોડતા આવા ઊંડા ઊંડા ખાડાઓ વાળા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ પણ વસૂલવામાં આવે છે. રસ્તાના મેન્ટેનન્સ માટે એજન્સીઓને કોન્ટ્રાક્ટ પણ અપાય છે. પણ તેઓથી રોડ પરના ખાડા પૂરાતા નથી. બીજી તરફ દાહોદ જ્યારથી સ્માર્ટ સિટી બન્યું ત્યારથી શહેરીજનોની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધી ગઈ છે. કેમ કે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ વિભાગ, નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સંકલનના અભાવે વારંવાર દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ ચાલતા રહે છે. જેના કારણે પાકા બનાવેલા અનેક રસ્તા ઉપર પણ ખાડા પડી ગયા છે. રાજ્યનામુખ્યમંત્રીએ ભલે ખાડા સત્વરે પુરવાની સૂચના આપી હોય પરંતુ અહીં તો બધું શેઠની શિખામણ ઝાંપા સુધી જેવું છે.
ભ્રષ્ટાચારની ગંગોત્રી બનેલા દાહોદ શહેર સહિત જિલ્લામાં સામાન્ય વરસાદે કરોડોના ખર્ચે નવા બનેલા રસ્તા ધોઈ નાખ્યા.
Views: 24
Read Time:4 Minute, 22 Second