આજે રવિવારે દાહોદ કસબા હુસેની હોલ પાસે આવેલ જનાબ હાઉસ ખાતે રમજાન શરીફના પવિત્ર માસમાં રોશન સફર વકફ ટ્રસ્ટ દ્વારા આશરે 200 જેટલા જરૂરતમંદ ગરીબ મુસ્લિમ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
મુસ્લિમ ધર્મમાં પવિત્ર રમઝાન માસમાં ગરીબ પરિવારોને દાન આપી પુણ્ય કરવાનું અતિ મહત્વનું માનવામાં આવે છે. રમઝાનના પવિત્ર માસમાં પૈસે ટકે સુખી સંપન્ન લોકો દ્વારા જરૂરતમંદ લોકોને જરૂરિયાત મુજબની મદદ કરવામાં આવે છે. આ જ રીતે આજે રમજાનશરીફના પવિત્ર માસમા દાહોદના રોશન સફર વકફ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના જરૂરત મંદ લોકોમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાશન કીટમાં લોટ, ચોખા તુવેર દાળ, મગ દાળ, તેલ, ઘી, ખાંડ, ચા, સેવૈયા વગેરે સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રોશન સફર વકફ ટ્રસ્ટના પ્રમુખ હાજી એઝાઝ ખાન પઠાણે જણાવ્યું હતું કે, રમઝાન શરીફ એ ઈબાદતનો પવિત્ર માસ હોવાથી રોજેદાર વ્યક્તિઓની સેવા કરવી એ ખૂબ જ પુણ્યનું કાર્ય છે. રાશન કીટ આપી જરૂરત મંદ પરિવારોને સહાય રૂપ થવું એ જ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે. ટ્રસ્ટ દ્વારા મહેંદી, પાર્લર, કોમ્પ્યુટર તેમજ સીવણ વગેરેની તાલીમ આપવાના ક્લાસ છેલ્લા 17 વર્ષથી ચલાવી રહ્યું છે. જેથી સમાજ અને ગરીબ વર્ગના લોકો કે જે ફી ચૂકવી શકતા નથી તેવાઓને મફત શિક્ષણ મળી રહે. દર વર્ષે આ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન કરાવવા, રાશન કીટનુ વિતરણ, વૃદ્ધો તથા વિધવાને આર્થિક સહાય તેમજ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય પૂરી પાડવા વગેરે જેવા સેવાના ઉમદા કાર્યો કરવામાં આવે છે. આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ જ સમાજને પ્રગતિશીલ અને પગભર બનાવવાનો છે