દાહોદ શહેરમાં હાલ બે ઋતુનો માહોલ ચાલતો હોવાથી સમગ્ર શહેરમાં ખાંસી, શરદી, તાવ, વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોએ માઝા મુકતા ઘેર ઘેર જે તે રોગના દર્દીઓ જોવા મળતા શહેરની ડિસ્પેન્સરીથી માંડી મોટી હોસ્પિટલો પણ ખાંસી, શરદી, તાવ, તેમજ વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેવા સમયે પડતા પર પાટુની જેમ દાહોદ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીને કારણે શહેરમાં ઠેર ઠેર નજરે પડતા કચરા તથા ગંદકીના ઢગલા અને ગટરના પાણી ઠલવાતા ગટરગંગા બની ગયેલ દાહોદની પવિત્ર દુધીમતિ નદીની ગંદકીને કારણે શહેરમાં ચરમસીમાએ પહોંચેલો મચ્છરનો ઉપદ્રવ આ વકરી રહેલા રોગચાળાને વધુ વેગ આપતો જોવા મળી રહ્યો છે. દાહોદમાં છેલ્લા કેટલાક દિવસોથી શિયાળાની નિશ્ચિત વિદાય પછી બે ઋતુનો માહોલ સર્જાતા શહેરમાં ખાંસી, શરદી, તાવ, વાયરલ ઇન્ફેક્શન વગેરે રોગોએ માઝા મૂકી છે. જેના પગલે શહેરની ડિસ્પેન્સરી થી માંડી મોટી મોટી હોસ્પિટલો પણ ખાંસી, શરદી, તાવ, તેમજ વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે બીજી તરફ શહેરમાં નગરપાલિકાના સત્તાધિશોની બેદરકારીને કારણે ઠેર ઠેર જોવા મળતા કચરા તથા ગંદકીના ઢગ તથા શહેરની ગટરોના વાળવામાં આવેલા ગંદા પાણીને કારણે ગટરગંગા બની ગયેલી દાહોદની પવિત્ર દુધીમતી નદી મચ્છરનું ઉદભવ સ્થાન બનતા સમગ્ર શહેરમાં મચ્છરનો ઉપદ્રવ ચરમસીમા એ પહોંચ્યો છે. આ મામલે વારંવાર અખબારી માધ્યમોના અહેવાલો દ્વારા નગરપાલિકાના સત્તાધિશોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. તેમ છતાં પાલિકાના આ જવાબદાર સત્તાધીશોના પેટનું પાણી પણ ન હાલતા મચ્છરના ઉપદ્રવને કારણે શહેરમાં મચ્છરજન્ય રોગોનો ભરડો દાહોદ વાસીઓને અશ્વસ્થ કરી મૂકશે તેવી આશંકાઓ ડોકાઈ રહી છે. આટઆટલો મચ્છરનો ઉપદ્રવ હોવા છતાં તે ઉપદ્રવને ડામવા માટે પાલિકા દ્વારા કોઈ કારગત પગલાં લેવામાં ન આવતા પાલિકાના સત્તાધીશો સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે. એકાદ બે વિસ્તારમાંતો નળમાં ગંદુ પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો છે. તેમ છતાં પાલિકાના સત્તાધિશોનુ આ મામલે સૂચક મૌન સૌ દાહોદવાસીઓને અકળાવી રહ્યું છે.જો આવી ફરિયાદો સાંભળવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં દાહોદમાં પાણીજન્ય રોગો પણ માથું ઊંચકશે તેવી ભીતિ સેવાઈ રહી છે. હાલ મચ્છરના ચરમસીમાએ પહોંચેલા ઉપદ્રવને ડામવા શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની તથા ફોગિંગ મશીનનો ઉપયોગ કરવાની તાતી જરૂર છે. જેથી દાહોદ નગરપાલિકાના જવાબદાર સત્તાધિશોએ પાલિકામાં અંદરોઅંદર ચાલતી યાદવાસ્થળીથી બહાર આવી લોકોની સમસ્યાના ઉકેલ માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ તેવો સમયનો તકાજો છે.
પાલિકાના સત્તાધીશોએ પાલિકામાં અંદરોઅંદરની યાદવાસ્થળીથી બહાર આવી લોકોની સમસ્યાના ઉકેલ માટેના પ્રયાસો હાથ ધરવાની તાતી જરૂર.