સાડા ત્રણ વર્ષ અગાઉ ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના મામલે છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશના મોહમ્મદ ઇરફાન બીસ્તીને ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ એટીએસની મદદ લઇ ઈન્દોરથી ઝડપી પાડી જરૂરી પૂછપરછ હાથ ધરી ઝાલોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળી હતી કે વર્ષ 2020 માં ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહીદપુર ગામના 34 વર્ષીય મોહમ્મદ ઇરફાન મહંમદ યાકુબ બિસ્તી ઇન્દોર ખાતે છુપાઈને રહે છે. જે બાતમીની ગુજરાત એટીએસના સિનિયર અધિકારીઓને જાણ કરી સદર બાતમીથી મધ્યપ્રદેશ એટીએસને વાકેફ કરવામાં આવી હતી. જેથી ગુજરાત તથા મધ્યપ્રદેશ એટીએસની ટીમોએ બાતમીને આધારે આરોપીની ઓળખ અને તેની ગતિવિધિ સંબંધી ચોક્કસ માહિતી મેળવી તે માહિતીને આધારે મધ્યપ્રદેશ એટીએસના ઇન્દોર યુનિટ ની મદદથી ગુજરાત એટીએસના પીઆઇ વીએન વાઘેલા, પી.એસ.આઇ. વાય જી ગુર્જર તથા તેમની ટીમ દ્વારા મોહમ્મદ ઇરફાન બીસ્તીની ઓળખ કરવામાં આવી હતી. જે ઈસમ ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના ગુનામાં શકમંદ હોય તેને વધુ પૂછપરછ અર્થે ગુજરાતની એટીએસ ખાતે લાવી સઘન પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મોહમ્મદ ઈરફાન મોહમ્મદ યાકુબ ભિસ્તી રહેવાસી મહીદપુર જિલ્લા ઉજ્જૈન. મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું. તથા પોતે ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના ગુનામાં વોન્ટેડ હોવાનું સ્વીકાર્યું હતું. ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની 27 સપ્ટેમ્બર 2020ના રોજ જીપ વડે ટક્કર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કાવતરમાં સંડોવાયેલ અન્ય એક આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડને ડિસેમ્બર 2020માં ગુજરાત એટીએસ દ્વારા હરિયાણાના મેવાત જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી ઈરફાન બીસ્તી તેના સહ આરોપીઓ મોહમ્મદ સમીર મુજાવર, સજજનસિંગ ચૌહાણ તથા અન્યોની સાથે મળી હત્યાના કાવતરાને અંજામ આપવા બનાવના દિવસે અન્ય આરોપીઓ સાથે ઇન્દોરથી ઝાલોદ આવ્યો હતો. અને ત્યારબાદ તેઓએ પૂર્વઆયોજિત રીતે હત્યાના સદર બનાવને અંજામ આપ્યો હતો. સદર આરોપીનું નામ એફઆઈઆરમાં હોવાની જાણ થતા તે સપ્ટેમ્બર 2020થી ફરાર થઈ ગયો હતો. અને મધ્યપ્રદેશમાં પણ તેણે પોતાનું ગામ મહીદપુર છોડી દીધું હતું. અને તે ઇન્દોર ખાતે છુપાઈને રહેતો હતો. ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલ આરોપી ઈરફાન બીસ્તીની અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે ઝાલોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના મામલે છેલ્લા સાડાત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મોહમ્મદ ઇરફાન બીસ્તીને ઇન્દોરથી પકડી પાડતી ગુજરાત એટીએસ તથા મધ્યપ્રદેશ એટીએસ.
Views: 32
Read Time:3 Minute, 46 Second