દાહોદ જુની કોર્ટ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે તાજેતરમાં બનેલા બાવીસ વર્ષીય પરિણીત મહિલાના અપમૃત્યુના બનાવવામાં છોકરી પક્ષના લોકોએ હત્યા કર્યાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. તે મૃતક પરણીતાના આવેલા પીએમ રિપોર્ટમાં દવાવાળા દૂધના કારણે મોત નીપજ્યાનું સામે આવતા મૃતક પરિણીત મહિલાની માતાએ પોતાના જમાઈ સામે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે મૃતક પરણીતાના પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગત તારીખ 20 મી જૂનના રોજ રાત્રિના સમયે દાહોદ જુની કોર્ટ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે રહેતી 22 વર્ષીય ડિમ્પલબેન મેહુલકુમાર પરમારનું અપમૃત્યુ થતાં પતિ મેહુલકુમાર કૈલાશચંદ્ર પરમાર દ્વારા રાત્રિના સમયે ઉલ્ટી થયા બાદ ડિમ્પલનું મૃત્યુ થયાના મતલબની જાણ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જ્યારે મરણજનાર ડિમ્પલબેનના પિયર પક્ષના લોકોએ ડિમ્પલબેનની હત્યા કરવામા આવી હોવાના જલદ આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. તે સમયે સ્થિતિની ગંભીરતાને પારખી જઈ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દાહોદનો નાનો ડબગરવાસ પોલીસછાવણીમાં ફેરવાઈ ગયો હતો. અને મેહુલકુમાર પરમારના ઘર આગળ પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તે વખતે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તબક્કે આકસ્મિક મોતના ગુનાના કાગળિયા કરી મૃતક ડિમ્પલબેનની લાશને ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. અને ગઈકાલે તેનો પીએમ રિપોર્ટ આવતા અને પીએમ રિપોર્ટમાં ડિમ્પલબેનનું મોત દવા વાળું દૂધ પીવાને કારણે થયાનું બહાર આવતા મરણ જનાર ડિમ્પલબેનની માતા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ ગામના હનુમાન ગલીમાં નિરંકારી ડીકી હાઉસ ની સામે રહેતા 40 વર્ષીય જયશ્રીબેન સંજયભાઈ ડાહયાભાઈ દેવડાએ મરણ જનાર ડિમ્પલબેન અને તેના પતિ મેહુલકુમાર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય, કંટાળી જઈ મેહુલકુમારે ડિમ્પલબેનને એક્સપાયર થઈ ગયેલ દવાની ટિકડીયોનો ભુક્કો કરીને દૂધમાં નાખી પીવડાવવા જતા ડિમ્પલબેને તે દૂધ પીવાની ના પાડતા પતિ મેહુલે તેને માર મારી બળજબરી પૂર્વક દવાવાળું દૂધ પીવડાવી દઈ તથા આ બાબતે કોઈ અવાજ કરીશ તો દીકરા આરવને પણ મારી નાખીશ. તેવી ગર્ભિત ધમકીઓ આપી ચૂપ કરાવી દેતા, આ દવાવાળા દૂધના કારણે ડિમ્પલબેનનું મોત નીપજ્યું હોવાના મતલબની કેફિયત ભરી ફરિયાદ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા નોંધાવતા પોલીસે આ સંદર્ભે મરણજનાર ડિમ્પલબેનના પતિ મેહુલકુમાર કૈલાશચંદ્ર પરમાર વિરુદ્ધ ઇ.પી. કો. કલમ 302,328,506(2), 498(ક) મુજબ માનસિક ત્રાસ આપી હત્યા કર્યાનો ગુનો નોંધી
ગણતરીના કલાકોમાં આરોપીને પકડી તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ઘકેલી દેવામાં આવ્યો છે.
જ્યારે ડીમ્પલબેન ની લાશનો કબજો લીધો હતો તે વખતે મરણ જનાર ડિમ્પલબેનના શરીર પર જુદી જુદી 8 થી 10 જગ્યાએ નખના ઉઝરડા તેમજ માર મારવાથી પડેલા ચકામાં નજરે પડતા ડિમ્પલબેનને મરણ જતા પહેલા જ માર મારવામાં આવ્યો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. જે પીએમ રિપોર્ટમાં પણ આવી જતા તેમજ પીએમ રિપોર્ટમાં ડિમ્પલબેનનું મોત દવાવાળું દૂધ પીવાને કારણે થયું હોવાનું બહાર આવવા પામ્યું હતું. તેમજ પોલીસની ગિરફતમાં આવેલા મરણજનાર ડિમ્પલબેનના પતિ મેહુલકુમાર પરમારે પણ મરણ પહેલા ડિમ્પલબેન ને માર માયૉની તેમજ એક્સપાયર થયેલ દવાની ટીકડીઓનો ભૂકો કરી દૂધમાં નાખી પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી.
મરણ જનાર ડિમ્પલબેન તથા તેના પતિ વચ્ચે અવારનવાર કોઈને કોઈ કારણસર ઝઘડો થતો હોવાને કારણે ડિમ્પલબેનના પતિ મેહુલ કુમારે એક બે દિવસ અગાઉ જ પોતાના મોબાઈલ પર સર્ચ કરેલ કે કઈ ગોળી ખાવાથી કેટલી વારમાં માણસ મરી જાય,? ઝેર આપવાથી માણસ કેટલી વારમાં મરી જાય?, ઊંઘની કેટલી ગોળીઓ એક સાથે આપવાથી માણસ કેટલી વારમાં મરી જાય? કઈ ગોળીનો ઓવરડોઝ આપવાથી પણ માણસ કેટલી વારમાં મરી જાય? આ તમામ બાબતો ની માહિતી જાણી લીધા બાદ 20 જેટલી એક્સપાયર ગોળીઓ નું પત્તું લઈ આવ્યો હતો અને પૂર્વ આયોજન મુજબ તેના કામને અંજામ આપ્યો હતો.
મરણ જનાર ડિમ્પલબેનનો લગ્ન ગાળો છ વર્ષનો હતો. સંતાનમાં તેને અઢી વર્ષની ઉંમરનો એક દીકરો છે. જેનું નામ આરવ છે. તેમજ ડિમ્પલબેનને દોઢેક માસનો ગર્ભ હતો જે પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવ્યું હતું. જેને કારણે પોલીસે પેનલ પીએમ કરાવ્યું હતું. અને તેના વિશેરા લઈ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.