મજૂરી માટે રાજકોટના રાવકી ગામે ગયેલા ગરબાડાના ગુલબાર ગામના શ્રમિકને તેના શેઠિયાએ પૈસા નહીં આપતા તેનું ટ્રોલી સાથેનું ટ્રેકટર લઈ નાસી આવતા તેને દાહોદ એલસીબી પોલીસે કતવારા બજારમાંથી ચોરીને લાવેલા ટ્રોલી સાથેના તે ટ્રેક્ટર સાથે પકડી પાડી સાથેનુ ટ્રેક્ટર કબજે લઈ રાજકોટના લોધીકા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી લોધિકા પોલીસને સુપરત કરવાની તજવીજ હાથ ધરી છે. દાહોદ એલસીબી પી.એસ.આઇ એમ.એલ ડામોર તેમજ પીએસઆઇ ડી આર બારૈયા તથા એલસીબી સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમ ગઈકાલે કતવારા બજારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કતવારા બજારમાં એક મેસી ટ્રેક્ટર ચાલક પોલીસની ગાડી જોઈ તેની પાસેનું ટ્રેક્ટર ઝડપથી ભગાવીને લઈ જતા પેટ્રોલિંગમાં નીકળેલ એલસીબી પોલીસને શંકા જતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. અને કતવારાથી ગુલબાર તરફ જતા રોડ પર ટ્રેક્ટરને ઓવરટેક કરી પોલીસે ટ્રેક્ટર ઊભું રખાવી ટ્રેક્ટરના ચાલક પાસે ટ્રેક્ટરની માલિકી બાબતે આધાર પુરાવા તથા લાયસન્સની માગણી કરી હતી. જેથી ટ્રેક્ટર ચાલકે પોતાની પાસે ટ્રેક્ટરની માલિકી બાબતે કોઈ આધાર પુરાવા તેમજ લાઇસન્સ પણ ન હોવાનું જણાવ્યું હતું. જેથી સદર ટ્રેક્ટર શંકાસ્પદ જણાતા સદર લાલ કલરના મેસી ferguson 1035 ડી આઇ કંપનીના ટ્રોલી સાથેના ટ્રેક્ટરના જી.જે.03એચ.આર.-4843 નંબરના આધારે ગુજકોપ એપ્લિકેશનથી સર્ચ કરતા સદર ટ્રોલી સાથે નું ટ્રેકટર નાગજીભાઈ ગંગાભાઈ ચિરોડીયા (ભરવાડ) ની માલિકીનું હોવાનું જણાઈ આવતા પોલીસે તે ટ્રેક્ટરના ચાલકની અટક કરી અત્રેની કચેરીએ લાવી પૂછપરછ કરતા તેને તેનું નામ વિકેશ ઉર્ફે વિકાસ સબુરભાઈ ઉર્ફે સબુ જીથરાભાઈ ચૌહાણ (ભીલ) ઉંમર વર્ષ 23 રહેવાસી ગુલબાર કુવાફળિયા તાલુકા ગરબાડા જિલ્લા દાહોદ હોવાનું જણાવ્યું હતું. અને વધુ પૂછપરછમાં તેને સદર ટ્રેક્ટર રાજકોટ જિલ્લાના રાવકી ગામેથી તેના શેઠ નાગજીભાઈ ચિરોડિયા (ભરવાડ)એ તેને પૈસા નહીં આપતા તારીખ 19-6-2024ના રોજ તેઓનું ટ્રોલી સાથેનું સદર ટ્રેક્ટર લઈ આવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી તપાસ કરતા સદર ટ્રોલી સાથેના ટ્રેક્ટરનો ચોરીનો ગુનો રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે રૂપિયા બે લાખની કિંમતનું ટ્રેક્ટર તથા 50000/- ની કિંમતની ટ્રોલી મળી કુલ રૂપિયા 2,50,000/- નો મુદ્દામાલ કબજે લઈ આરોપીને મુદ્દામાલ સાથે લોધિકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ ટ્રોલી સાથેના ટ્રેક્ટર સાથે આરોપીને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો
Views: 33
Read Time:3 Minute, 38 Second