સ્માર્ટ સિટી બનવા તરફ હરણ જેવી ઝડપે દોડવા મથતા દાહોદ શહેરમાં અધૂરા રહેલા ભૂગર્ભ ગટરના કનેક્શનજોડવાનુ કામ ચોમાસાના ગણતરીના દિવસો પહેલા જ હાથ ધરાતા અને ગટર લાઈનની પાઈપો નાખ્યા બાદ ખાડા પૂરવામાં નરી વેઠ ઉતારાતા માત્ર એક સામાન્ય વરસાદમાં જ ખાડામાંનુ પુરણ ધોવાઈ જતા તે ખાડા ચોમાસામાં મોતના ખાડા બનવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ ખાડા પૂરવાની વ્યવસ્થિત કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં તે પ્રશ્ન સૌ દાહોદ વાસીઓને મૂંઝવી રહ્યો છે. દાહોદ શહેરમાં ચોમાસાની શરૂઆતને ગણતરીના દિવસો બાકી હતા. ત્યારે બાકી રહેલા ભૂગર્ભ ગટરના કનેક્શનના જોડાણ આપવાની કામગીરી સ્માર્ટ સિટી અંતર્ગત શરૂ કરવામાં આવી છે. અને તે માટે શહેરમાં ઠેર ઠેર રોડ ક્રોસ કરતા ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. અને તેમાં પાઇપો નાખ્યા બાદ તે ખાડા પુરણની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નરી વેઠ ઉતારવામાં આવી છે. જેના કારણે નગરપાલિકાથી માયા ટોકીઝ તેમજ એમવાય હાઇસ્કુલ આગળ રસ્તા પર રસ્તા ક્રોસ કરતા કેટલાક ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા. અને ભૂગર્ભ ગટરની પાઇપો નાખ્યા બાદ ખાડા પૂરવામાં આવ્યા હતા. અને કોન્ટ્રાક્ટર દ્વારા તે ખાડા પૂરવાની કામગીરીમાં માત્રને માત્ર વેઠ ઉતારવામાં આવતા માત્ર એક જ સામાન્ય વરસાદમાં તે ખાડા નું પુરણ ધોવાઈ જતા હાલ તે ખાડાઓ મોતના ખાડા સમા બની જવા પામ્યા છે. અને તેમાં એ વળી જો આ ખાડા પૂરવામાં નહીં આવે તો ચોમાસાનું પાણી તે ખાડાઓમાં ભરાઈ જતા અનેક અકસ્માતો સર્જવાની ભીતિ સેવાઇ રહી છે. બાકી રહી ગયેલા ભૂગર્ભ ગટરના કનેક્શનનોનુ જોડાણ કરવાની આ કામગીરી આકરે ઉનાળે શરૂ કરી દીધી હોત તો તે ચોમાસુ આવતા પહેલા જ પૂર્ણ થઈ ગઈ હોત. અને રસ્તા બની ગયા હોત. હવે તો ચોમાસાનો આરંભ થઈ ચૂક્યો છે. ચોમાસામાં રોડ બનાવવાની કામગીરી શક્ય નથી. અને લગભગ તે કામગીરી બંધ જ થઈ ચૂકી છે. જેથી આ ખાડાઓની પુરણની કામગીરી વહેલામાં વહેલી તકે હાથ ધરી વ્યવસ્થિત રીતે ખાડાઓનું પુરણ કરી હાલ પૂરતુ તો દાહોદ વાસીઓને આ હાડમારીમાંથી મુક્તિ મળે તેવી કામગીરી હાથ ધરવામાં આવે તેવી નગરજનોની માંગ છે. ત્યારે આ ખાડાઓ વ્યવસ્થિત રીતે પુરવાની કામગીરી યુદ્ધના ધોરણે ક્યારે હાથ ધરવામાં આવશે તે હવે જોવું રહ્યું!!!!!