દાહોદ જિલ્લામાં ગઈકાલથી એક તરફ માતબર ખર્ચ કરી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ઓરડાના અભાવે જિલ્લામાં કેટલીય શાળાના ભૂલકાઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે શિક્ષણ તંત્ર જાગૃત થાય અને ભયના ઓથાર તળે ખુલ્લામાં ભણતર લેતા ભૂલકાઓ માટે પાકું મકાન બનાવવા ઝડપી પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી વાલી જગતમાં માંગ ઉઠવા પામી છે. ગઈકાલ તારીખ 26 જૂન 2024 થી રાજ્યભરમાં ત્રિદિવસીય 21 માં શાળા પ્રવેશોત્સવનો વાજતે ગાજતે શુભારંભ કરવામાં આવ્યો છે. અને સરકારના મોટા મોટા દાવા છે કે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે અદ્યતન અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે. પરંતુ દાહોદ જિલ્લામાં તો ચિત્ર બિલકુલ ઉલટું જોવા મળી રહ્યું છે. અને આસમાની વાતો વચ્ચે દાહોદ જિલ્લામાં શિક્ષણ સ્તર સાવ જમીન પર જોવા મળતા અધ્યતન શાળાઓના સરકારના દાવાઓ તદ્દન પોકળ સાબિત થઈ રહ્યા છે. દાહોદની છોટીયા ફળિયા ડુંગરા પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણમાં 218 બાળકો અભ્યાસ કરે છે. અને આ 218 બાળકો માટે શાળામાં માત્ર બે જ ઓરડા છે. જેના કારણે તે શાળાના ભૂલકાઓને બહાર ઓટલા પર, મેદાનમાં પતરાના શેડ નીચે અને ધાબા ઉપર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. હાલ ચોમાસુ છે. ત્યારે ખુલ્લામાં પાણી આવી જાય, જીવજંતુ આવે તેવા ભયના ઓથાર તળે નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સ્માર્ટ ક્લાસ તો દૂરની વાત છે. પરંતુ બેસવા માટેનો સામાન્ય ઓરડો તેમજ યોગ્ય છત માટે પણ ભૂલકાઓ તરસી રહ્યા છે. પ્રવેશોત્સવની સાથે સાથે સરકાર આવા અંતરિયાળ વિસ્તારોમાં નવીન ઓરડાઓ બનાવે તે ખૂબ જ ઇચ્છનીય તેમજ જરૂરીછે. રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓ તો સારી રીતે જાણે છે, કે રાજ્યમાં કેટલા ઓરડાઓની ઘટ છે. તેમ છતાં છેલ્લા 21 વર્ષથી શાળા પ્રવેશોત્સવના આવી જ રીતે કાર્યક્રમો કરી અઢળક રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. જો આવા ખર્ચાઓ બચાવી તે ખર્ચમાં કેટલાય ઓરડાઓ બની જાય અને ભૂલકાઓને ભયના ઓથાર તળે અભ્યાસ કરવા મજબૂર ન થવું પડે તે સનાતન સત્ય છે
એક તરફ રાજ્યમાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે રસ્તાઓ ઉપર મોટા મોટા હોર્ડિંગો ઉભા કરી જાહેરાતો પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે ત્યારે શું આવા સરકારી કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓ કે નેતાઓને દાહોદની છોટીયા ફળિયા ડુંગરા પ્રાથમિક શાળાના પતરાના શેડ નીચે બેસી ભયના ઓથાર તળે શિક્ષણ મેળવતા ભૂલકાઓની દયનીય સ્થિતિ દેખાતી નથી. તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે.