દાહોદમાં બહુ ચર્ચિત નકલી એન એ હુકમ કૌભાંડમાં અત્યાર સુધીમાં નોંધાયેલી ચાર ફરિયાદમાં કુલ 108 જેટલા માથાની સંડોવણી બહાર આવી છે અને તેમાંના મોટાભાગના ઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. ત્યારે આ કથિત કૌભાંડમાં પ્રથમવાર બે અધિકારીઓની સંડોવણી હોવાનું બહાર આવતા તે બે અધિકારીઓની દાહોદ પોલીસે આજે ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપતા અધિકારી વર્ગમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદમાં નકલી કચેરી કૌભાંડ બાદ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડનાર નકલી એન એ હુકમ કૌભાંડ પ્રકાશમાં આવ્યું. અને તેના માસ્ટરમાઈન્ડ મનાતા દાહોદના એક નામી બિલ્ડર સહિત ચારથી પાંચ જણાને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા. અને ત્યારબાદ આ કથિત કૌભાંડની ઝીણવટ ભરી તપાસ દાહોદના પ્રાંત અધિકારી અને મામલતદારને સોંપવામાં આવતા તે બંને બાહોશ અધિકારીઓએ સદર કથિત કૌભાંડની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. અને તપાસમાં 219 જેટલા સર્વે નંબરો સંદિગ્ધ જણાઈ આવ્યા હતા. જેથી તે સંદિગ્ધ સરવે નંબરો પૈકીના એક નંબરની વધુ તપાસ હાથ ધરી શહેરના ગરબાડા રોડ પર તે નંબરની જમીનની પાસેની સરકારી પડતર જમીનમાં પણ 150 થી વધુ દુકાનો તેમજ ગોડાઉનોની ફરીવાર માપણી કરાવી તે દુકાનો તેમજ ગોડાઉન દિન સાતમાં દૂર કરવાની તાકીદ કરતી નોટીસ તે મિલકત ધારકોને આપવામાં આવી હતી. અનેઆ મુદ્દે તે મિલકત ધારકોએ ન્યાયની દાદ માટે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને બે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી જેના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તે મિલકત ધારકોને એક તરફ દિવાળી સુધીની આંશિક રાહત આપવામાં આવી હતી ત્યારે બીજી સદર કથિત કૌભાંડની તપાસ કરનારા દાહોદના પ્રાંત અધિકારી તથા મામલતદારની તપાસ પૂરી થાય તે પહેલા અધવચ્ચે જ એકાએક બદલી કરી દેવામાં આવતા અનેક શંકા કુશંકાઓના વમળો સર્જાયા હતા અને ત્યારબાદ સદર કૌભાંડની તપાસ આગળ વધતા દાહોદ જિલ્લા સીટી સર્વેના શિરસ્તેદાર દિનેશભાઈ પરમાર તથા સર્વેયર રાહુલભાઈ ચાવડાની સંડોવણી બહાર આવતા આજે દાહોદ પોલીસે સીટી સર્વેના ઉપરોક્ત બંને અધિકારીઓની ધર પકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપતા અધિકારી વર્ગમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. આગળ વધતી આ તપાસમાં આવનારા દિવસોમાં હજી કેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓની સંડોવણી બહાર આવશે તે તો આવનાર સમય જ બતાવશે.
દાહોદના બહુચર્ચિત નકલી એન એ હુકમ કૌભાંડમાં સીટી સર્વે કચેરીના બે અધિકારીઓની સંડોવણી બહાર આવતા દાહોદ પોલીસે ધરપકડ કરી
Views: 14
Read Time:3 Minute, 17 Second