દાહોદમાં ફેક એન એ કૌભાંડમાં પોલીસ ફરિયાદ નો આરંભ
માત્ર ત્રણ જણાએ જ સરકારી તિજોરીને ₹૨.૮૬ કરોડ ઉપરાંતનું નુકસાન પહોંચાડ્યું.
દાહોદ શહેરમાં ફેક એન એ કૌભાંડની તપાસ બાદ 219 જેટલા સર્વે નંબરો શંકાસ્પદ જણાતા તેની ઝીણવટ ભરી તપાસ બાદ તમામ કાગળિયા એફઆઇઆર માટે પોલીસને સુપરત કર્યા બાદ ગઈકાલે દાહોદ પ્રાંત અધિકારીએ એન એના બનાવટી હુકમોને પોતે જાણતા હોવા છતાં તેને સાચા તરીકે સીટી સર્વે કચેરી ખાતે ઉપયોગ કરી ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી સરકારી તિજોરીને રૂપિયા ૨.૮૬ કરોડ ઉપરાંતની રકમનું નુકસાન પહોંચાડી સરકાર સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરનારા દાહોદના એક મહિલા સહિત છ જણા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા દાહોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેરમાં ફેક એન એ કૌભાંડ બહાર આવ્યા બાદ કથિત કૌભાંડની તપાસમાં ભારે વેગ આવતા અને કેટલાય ચોકાવનારા ખુલાસાઓ થતા મચી ગયેલા ખળભળાટ વચ્ચે ગઈકાલે સદર કથિત કૌભાંડની તપાસમાં જોતરાયેલા દાહોદના પ્રાંત અધિકારી તેમજ દાહોદ મામલતદારની તપાસ પૂર્ણ થાય તે પહેલા અધવચ્ચે જ બદલી કરી દેવાતા તંત્રમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ વચ્ચે દાહોદ ના પ્રાંત અધિકારી શ્રીમતી એનબી રાજપૂતે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાહોદના એક મહિલા સહિત છ જણા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે દાહોદના મોટા ઘાંચી વાડામાં રહેતા કૈયા યુસુફભાઈ મોહમ્મદ સફી, કૈયા ઈબ્રાહીમ મોહમ્મદ સફી, કૈયા સુલેમાન મોહમ્મદ સફી એમ ત્રણેય જણાએ પોતે તથા અન્ય મળતીયા ઈસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી તારીખ 12-5-2016 થી તારીખ 4-12-2020 સુધીના સમયગાળા દરમિયાન ૩૨૯૩ ક્ષેત્રફળ વાળી દાહોદની સીટી સર્વે નંબર-૧૬૧૮ વાળી જમીન બાબતે નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીની કચેરીના હુકમ સીટીએસ/વશી/૪૭૪૨/૨૦૧૬ તારીખ ૧૫-૫-૨૦૧૬નો ફોટો બનાવટી હુકમ બનાવી તે હુકમ ખોટો હોવાનું જાણવા છતાં સાચા તરીકે સીટી સર્વે કચેરી ખાતે તેનો ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી સરકારને રૂપિયા ૨,૮૬,૪૭,૪૫૦/-જેટલી મોટી રકમનું પ્રીમિયમનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે ઠગાઈ તેમજ વિશ્વાસઘાત કર્યો હતો. આ જ રીતે દાહોદના ગોધરા રોડ ખાતે આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત કેશવલાલ શાહ, પાર્થ શ્રીકાંત શાહ, તેમજ બીનાબેન શ્રીકાંત શાહ એમ ત્રણેય જણાય પોતે તથા અન્ય મળતીયા ઇસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી તારીખ 20-5-2017 થી તારીખ 14-7-2022 સુધીના સમયગાળા દરમિયાન દાહોદ કસબાની સીટી સર્વે નંબર-૧૬૦૧/૧ અને સીટી સર્વે નંબર-૧૬૦૧/અ/૬ વાળી જમીન બાબતે ખોટો નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીની કચેરીના હુકમ ક્રમાંક સીટીએસ/વશી/૨૪૪૭-૪૯/૧૭ સવાલ વાળી જમીન/મિલકતમાં અરજદાર પાસેથી રૂપિયા ૫૦૦૦/-પુરા વસુલ લઈને સીટી સર્વે નંબર-૧૬૦૧/અ/૧ ક્ષેત્રફળ ૭૮૩.૭૫ ચોરસ મીટર પૈકી ૧૨૯.૩૭૫૦ ચોરસ મીટર જમીનમાં સૂચિત ભાગ્યોદય કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દાહોદના સભ્ય બીનાબેન શ્રીકાંત શાહ નું નામ દાખલ કરવા બાબતનો હુકમ ખોટો બનાવટી હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે સીટી સર્વે કચેરી ખાતે ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી ઉત્તરોત્તર વેચાણ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે સગાઈ વિશ્વાસઘાત કર્યો હતો. આ સંદર્ભે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે દાહોદ મોટાઘાતીવાડામાં રહેતા કૈયા યુસુફભાઈ મોહમ્મદ સફી, કૈયા ઇબ્રાહીમ મોહમ્મદ સફી, કૈયા સુલેમાન મોહમ્મદ સફી તથા દાહોદ ગોધરા રોડ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત કેશવલાલ શાહ, પાર્થ શ્રીકાંત શાહ તેમજ બીનાબેન શ્રીકાંત શાહ એમ કુલ છ જણા વિરુદ્ધ ઈ પી કો કલમ 406,420,465 467,468, 471,34,120(બી) મુજબ ઠગાઈ તેમજ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.