દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌભાંડ, નકલી એન.એ કૌભાંડ, બાદ હવે સરકારી કચેરીમાં નકલી કર્મચારી બેખોફ વહીવટ કરી રહ્યાનું સામે આવતા દાહોદ જિલ્લો નકલીની ભરમારથી ઘેરાઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં સામે આવેલ નકલી કર્મચારીઓ બાબતે ન્યાયિક તપાસની માગણી કરતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આજે આપવામાં આવ્યુ હતુ. જેમાં દિન 10 માં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દાહોદને આપવામાં આવેલ આવેદનમાં જણાવ્યું છે કે, દાહોદ જિલ્લામાં પકડાયેલ નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના લીમખેડા, ફતેપુરા તથા સંજેલી તાલુકામાં નકલી કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. અને આ નકલી કર્મચારીઓ ઘણા સમયથી વહીવટ કરી રહ્યા હોવાનું જણાયું છે. દાહોદ જિલ્લાના લીમખેડા ફતેપુરા તથા સંજેલી તાલુકામાં કામ કરતા કથીત નકલી કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગણી કરવામાં આવી છે. સાથે સાથે એમના દ્વારા કરવામાં આવેલા ખોટા કામોની તપાસ કરવાની પણ માગણી કરવામાં આવી છે. આ નકલી કર્મચારીઓની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી છે? આ કથિત નકલી કર્મચારીઓની નિમણૂક કૌભાંડમાં કયા કયા મોટા માથા સંડોવાયેલા છે? તેની તટસ્થ અને તલસ્પર્શી તપાસ હાથ ધરી સત્ય હકીકત જનતા સામે ખુલ્લી પાડવાની માગણી કરવામાં આવી છે. અને આગામી દિન 10મા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
દાહોદ જિલ્લામાં નકલી કર્મચારીઓ બાબતે ન્યાયિક તપાસ ની માગણી કરતું આવેદન આમ આદમી પાર્ટીએ જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું.
Views: 25
Read Time:2 Minute, 29 Second