ઝાલોદ તાલુકાના રાજપુર ગામે રોડ પર પુરપાટ દોડી આવતી મોટરસાયકલના ચાલકે મોટરસાયકલ પરનો કાબુ ગુમાવતા મોટરસાયકલ રસ્તા પર આવેલ પલડી સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મોત નિપજ્યાનું તથા પાછળ બેઠેલ ઇસમને નાની-મોટીજાઓ થયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકોની ગફલતને કારણે દાહોદ જિલ્લામાં શરૂ થયેલો ગમખ્વાર અકસ્માતોનો સિલસિલો હજીએ યથાવત જોવા મળી રહ્યો છે. અને તેમાં કંઈ કેટલાયે નિર્દોષો કાળનો કોળીઓ બન્યા છે. તેવા સમયે ઝાલોદ તાલુકાના રાજપુર ગામે બનેલા ગમખ્વાર અકસ્માતમાં ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના મૂળ વતની અને હાલ ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે કજેળી ફળિયામાં રહેતા કનુભાઈ ગજાભાઈ પારગીનો છોકરો યુવરાજભાઈ તથા કનુભાઈ ગજાભાઈ પારગીનો ભત્રીજો 15 વર્ષીય જીગ્નેશભાઈ જીતુભાઈ પારગી એમ બંને જણા તેઓની જી.જે.20-બી.એ.-3525નંબરની મોટર સાયકલ લઇ વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે શાકભાજી લેવા ગરાડુથી ઝાલોદ તરફ જઈ રહ્યા હતા. તે વખતે તેમની મોટરસાયકલની વધુ પડતી ઝડપને કારણે ચાલક જીગ્નેશભાઈ જીતુભાઈ પારગીએ મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ રોડ પર આવેલ પલડી સાથે ધડાકાભેર અથડાતા મોટર સાયકલ પર સવાર યુવરાજભાઈ કનુભાઈ પારગી તથા જીગ્નેશભાઈ જીતુભાઈ પારગી એમ બંને પિતરાઈ ભાઈઓ મોટરસાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતા યુવરાજભાઈ કનુભાઈ પારગીને શરીરે નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. જ્યારે મોટરસાયકલ ચાલક 15 વર્ષીય જીગ્નેશભાઈ જીતુભાઈ પારગીને શરીરે,હાથે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું ઘટના સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ ઝાલોદ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને પ્રાથમિક તબક્કે ઇજાગ્રસ્ત યુવરાજભાઈ કનુભાઈ પારગીને 108 મારફતે સારવાર માટે તાબડતોબ ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપ્યો હતો. જ્યારે સ્થળ પર જ મોતને ભેટેલા 15 વર્ષીય જીગ્નેશભાઈ જીતુભાઈ પારગીની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લાશને ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપીહતી. આ સંબંધે ઘુઘસ ગામના મૂળ વતની અને હાલ ગરાડુ ગામે રહેતા કનુભાઈ ગજાભાઈ પારગીએ નોંધાવેલી ફરિયાદને આધારે ઝાલોદ પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાલોદના રાજપુર ગામે રોડ પર પૂરપાટ આવતી મોટર સાયકલ પલડી સાથે અથડાતા ચાલકનું મોત.
Views: 27
Read Time:3 Minute, 28 Second