દાહોદ નગરપાલિકાની વર્તમાન બોડીમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ચરમ સીમા વટાવી ભાજપની શિસ્તબદ્ધતાના લીર લીરા ઉડાડતા તું તું મે મે ના દ્રશ્યો ગતરોજ બપોરે દાહોદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં મીડિયાની હાજરીમાં જોવા મળ્યા હતા. જે પાલિકાના કાઉન્સિલરો વચ્ચે છેલ્લા કેટલાય સમયથીચાલી રહેલી યાદવાસ્થળીના મામલે ઘણું બધું કહી જાય છે. ગઈકાલે બપોરના સમયે દાહોદના કેટલાક પત્રકાર મિત્રો વરસાદમાં રોડ રસ્તાની સ્થિતિ તેમજ નુકસાન બાબતે માહિતી મેળવવા દાહોદ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં ગયા હતા. અને તે બાબતે પાલિકા પ્રમુખ સાથે ચર્ચા ચાલી રહી હતી. તે સમયે દાહોદ નગરપાલિકાના માજી પ્રમુખ અને પક્ષના માજી નેતા રાજેશભાઈ સેહતાઇ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં આવ્યા હતા. અને ગત સભા બાદ પાછળથી જે નવા કામો ઉમેરવામાં આવ્યા હતા. તે પૈકીના કેટલાક કામોમાં કંઈક એવું છે કે જે પ્રજાના હિતમાં નથી, નગરપાલિકાના હિતમાં નથી અને નગરપાલિકાને આર્થિક નુકસાન થાય તેવી શંકા વ્યક્ત કરી પ્રોસિડિંગની માંગણી કરી હતી. ત્યારબાદ પ્રમુખ ગોપીભાઈ દેસાઈ તેમજ રાજેશભાઈ સેહતાઇ વચ્ચે તું તું મે મે ના દ્રશ્યો સર્જાતા ભાજપની શિસ્તબદ્ધતાના પત્રકાર મિત્રોની હાજરીમાં લીરે લીલા ઉડ્યા હતા. આ રીતે છેલ્લા કેટલાય સમયથી દાહોદ નગરપાલિકાની વર્તમાન બોડીમાં ચાલતો આંતરિક વિખવાદ સપાટી પર આવી ચરમ સીમા વટાવી ગયો હતો. દાહોદ નગરપાલિકાની વર્તમાન બોડીમાં ચાલતા આંતરિક વિખવાદે અત્યાર સુધીમાં ઘણા બધા રંગ બદલ્યા છે. જેના ભાગરૂપે નગરપાલિકાના ૩૬ કાઉન્સિલરોમાથી ચોક અલગ કરીને બેઠેલા 24 જેટલા કાઉનશીલરો પૈકીના મોટાભાગના કાઉન્સિલરોએ પાલિકામાં હાજરી આપવાનું ટાળ્યું. અને પાડોશી રાજ્યમાં સહેલગાહે ઉપડી ગયાહતા. ત્યારબાદ નગરપાલિકામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની વાત ચર્ચામાં આવી અને તેની પણ થોડા દિવસમાં જ હવા નીકળી ગઈ. અને ત્યારબાદ બોર્ડની મીટીંગ બોલાવવાની માગણી કરતું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું.આવા તમામ પ્રયાસો કરવા છતાં 24 કાઉન્સિલરોના અલગ ચોકાને ધાર્યું પરિણામ ન મળતાં આ વિવાદનો અંત હજી ક્યારે આવશે તે હાલના તબક્કે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. આ સમયે દાહોદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઉપસ્થિત પત્રકારો સમક્ષ પાલિકાના પ્રમુખ ગોપીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એક કોન્ટ્રાક્ટરને મૌખિક સૂચના આપીને લાખો રૂપિયાના કામ કરાવવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના વર્ક ઓર્ડર, ટેન્ડર પ્રક્રિયા કે કોઈપણ પ્રકારના પેપર વર્ક વગર લાખો રૂપિયાનું પેમેન્ટ ચૂકવી દેવાનો મારા પર દૂરાગ્રહ રાખવામાં આવતા મેં આ ખુરશી પર બેઠા પછી તેઓને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે. પેપર વર્ક વગરને અમારી ભાષામાં 45 ડી કહેવાય છે. આપ સૌ પત્રકારો મિત્રોને મારી વિનંતી કે 45ડી બાબતની બધી જ માહિતી લઈ લો. 45 ડી ના તમામ ખોટા હુકમો ભૂતકાળમાં અહીંથી થયેલા છે. અને તે ખોટું નુકસાન દાહોદ નગરજનોના ટેક્સના પૈસામાંથી હું તેનું પેમેન્ટ આપીને કરવા માંગતો નથી. એટલા માટે આ લોકોને તકલીફ છે. ખરેખર દુખે પેટ અને કૂટે માથું જેવી તેઓની સ્થિતિ છે. સાથે સાથે ભૂતકાળની બોડી અને ભૂતકાળના સત્તાધિશો વિરુદ્ધ અત્યારે કમિશનર, સીએમ લેવલ તેમજ વિજિલન્સ માંથી ઘણા બધા ચેકિંગ આવેલા છે. તેના જવાબ તેમની તરફેણમાં આપવા માટે મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. એ દબાણ બાબતે મારી એટલી ખુલ્લી વાત છે કે, હું માત્ર સરકારશ્રીને નગરપાલિકાના હિતમાં જ જવાબ આપીશ. તેમની તરફેણમાં તો જવાબ નહીં જ આપું. રાજેશભાઈ સેહતાઇએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, બજેટ સાથેની ગત સામાન્ય સભામાં પ્રોસિડિંગ બાદ 11 જેટલા કામો ઉમેરવામાં આવ્યા હતા. જે પૈકીના ત્રણ કામોની ચર્ચા થઈ હતી. અને બાકીના વધારાના સાધનો ખરીદીના તેમજ રોડના કામોમાં એવું છે કે જે પ્રજાના હિતમાં નથી, નગરપાલિકાના હિતમાં નથી અને નગરપાલિકાને આર્થિક નુકસાન થાય તેવી અમને શંકા છે. એટલે અમે પ્રોસિડિંગની માગણી કરીએ છીએ અગાઉ મેં ચીફ ઓફિસર પાસે પણ પ્રોસિડિંગની માંગણી કરી હતી. પરંતુ તેઓએ પણ હજી સુધી આપ્યું નથી. અમારી શંકાનું સમાધાન ત્યારે જ થશે જ્યારે અમારી પાસે પ્રોસિડિંગ આવશે.અને વધારાના કામ છે તેમાં શું લીધું તેની ઊંડાણમાં જઈશું ત્યારે ખ્યાલ આવશે કે, શંકા સાચી છે કે ખોટી.
દાહોદ નગરપાલિકાની વર્તમાન બોડીમાં ચાલતા આંતરિક વિખવાદે ચરમસીમા વટાવી.
Views: 37
Read Time:6 Minute, 24 Second