આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં અલગ અલગ ચાર જિલ્લાઓમાં ફરનારી રાહુલ ગાંધીની ભારત જોડે ન્યાય યાત્રા ગઈકાલે ઝાલોદબાદ આજે સવારે દાહોદમાં પ્રવેશી હતી. આજે સવારે 9:00 વાગે દાહોદ બસ સ્ટેશનથી ભારત જોડે અન્યાય યાત્રા આગળ વધી સ્વામી વિવેકાનંદ સર્કલ સરસ્વતી સર્કલ બિરસા મુંડા ચોક થઈ જનતા ચોક ગોધરા રોડ થઈ પીપલોદ જવા રવાના થઈ હતી. એક તરફ ભારત જોડો ન્યાય યાત્રા ના માધ્યમથી રાહુલ ગાંધી સૌ દેશ વાસીઓને જોડવાનો સંદેશો આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ તેમના આ સંદેશાની તેમના જ પક્ષના ઘણા ખરા લોકોને કોઈ અસર ન થઈ હોય તેમ તેમના પક્ષમાંથી એક પછી એક હોદ્દેદારો, કાર્યકરો રાજીનામાં ધરી પક્ષમાં ભંગાણ પાડતા જોવા મળી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઘણા ખરા હોદ્દેદારોએ કેસરિયો ધારણ કરી લેતા ભાજપમાં શંભુ મેળા જેવી સ્થિતિ સર્જાવવા પામતા પક્ષના પાયાના કાર્યકરોમાં મન દુઃખની સાથે સાથે નારાજગી ફેલાયાનું પણ ચર્ચાઇ રહ્યું છે . રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગઈકાલે રાજસ્થાનથી દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશી હતી. જ્યાં રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન જનસભાને પણ સંબોધી હતી. અને જનસભામાં વિવિધ મુદ્દે કેન્દ્ર અને રાજ્યની સરકારને આડે હાથ લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ઝાલોદથી નીકળ્યા બાદ આ યાત્રાએ કંબોઈ મંદિર ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. જ્યાં ભજન કીર્તન તેમજ દર્શન બાદ આજે આ યાત્રાએ દાહોદ તરફ પ્રયાણ કરી દાહોદમાં પ્રવેશ કર્યો હતો. અને આ યાત્રા આગળ વધી દાહોદ બસ સ્ટેશનથી સ્વામી વિવેકાનંદ સર્કલ, ચાર થાંભલા, સરસ્વતી સર્કલ, બિરસા મુંડા ચોક, જનતા ચોક, ગોધરા રોડ થઈ પીપલોદ જવા રવાના થઈ હતી. રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રાનું દાહોદ વાસીઓએ ખૂબ જ ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું. જ્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીનું રાહુલ ગાંધીએ હર્ષભેર અભિવાદન ઝીલ્યુ હતું. આ યાત્રામાં કોંગ્રેસની સાથે સાથે આપ પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. દાહોદ જિલ્લાની લોકસભાની બેઠક માટે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમજૂતી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હાલ તો કોંગ્રેસ યા આ પાર્ટી બેમાંથી કઈ પાર્ટીના ઉમેદવારને દાહોદ લોકસભા બેઠકની ટિકિટ આપવામાં આવશે? તે હવે જોવું રહ્યું.