સતત બીજા દિવસે પણ જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે માસુમ ભૂલકાના મોત
દાહોદ જિલ્લામાં સતત બીજે દિવસે પણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે માસુમ બાળકોના મોત નીપજતા, એક ઘટનામાં તો પીએમ થયા બાદ સવા બે વર્ષીય મૃત બાળકની ડેડ બોડી તેના પરિવારજનોએ ગતરાત સુધી સ્વીકારી ન હોવાથી ઝાલોદના શંકરપુરા ગામે ચાપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની બેદરકારી તથા વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપના કારણે ગમખ્વાર અકસ્માતોની સંખ્યામાં રોજબરોજ વધારો જોવા મળી રહ્યો છે. અને તેમાં નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે જિલ્લામાં સતત બીજે દિવસે પણ જુદી જુદી જગ્યાએ બનેલ ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ ઝાલોદ તાલુકાના શંકરપુરા ગામે સવારમાં આઠેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં શંકરપુરા ગામની પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ આપવા આવતા છોટાહાથી વાહનના ચાલકની ગફલતને કારણે શંકરપુરા ગામમાં રોડની નજીક ઘર પાસે રમી રહેલા રુદ્રાક્ષ મિનેશભાઈ ડામોર નામના ૨ વર્ષ-૪ માસની ઉંમરના માસુમ બાળકને અડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક ઝાલોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કરતા મૃતક બાળકના પરિવારજનોમાં પ્રાથમિક શાળામાં દૂધ આપવા આવેલ છોટા હાથી વાહનના ચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. અને પરિવારજનોએ મૃતક રુદ્રાક્ષની લાશના પીએમ બાદ તેની ડેડ બોડી સ્વીકારી ન હતી. જેથી આ બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શંકરપુરા ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લામાં ગતરોજ સવારે ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે પટેલ ફળિયામાં રોડ પર બનવા પામ્યો હતો. જેમાં એક ટેમ્પા ચાલક તેના કબજાનો જીજે ૭વાય-૫૪૦ નંબરનો સફેદ કલરનો ટેમ્પો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી રોડની સાઈડમાં કુદરતી હાજર તે જતી ૯ વર્ષીય રીનાબેન તથા ૯ વર્ષીય સેજલબેનને જોશભેર ટક્કર મારી ટેમ્પો રોડ પર પલટી ખવડાવી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નવ વર્ષીય રીનાબેનને બંને પગે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું. જ્યારે સેજલબેનને બંને પગે ગંભીર ઇજાઓ તેમજ શરીરે ઓછી વધતી ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ધાનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ગંભીર ઇજાગ્રસ્ત સેજલબેનને સારવાર માટે 108 મારફતે તાબડતોબ ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી હતી. તેમજ મરણ જનાર રીનાબેનની લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી લાશને પીએમ માટે ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી સફેદ કલરના ટેમ્પોના ચાલક વિરુદ્ધ ધાનપુર પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.