દાહોદ જિલ્લામાં બહુચર્ચિત ફેક એન.એ કૌભાંડની ચાલી રહેલી તપાસ દરમિયાન તપાસમાં સંકળાયેલા દાહોદના પ્રાંત અધિકારી તથા મામલતદારની રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં એકાએક બદલી કરી દઈ રાજ્યમાં અન્યત્ર મોકલી દેવાતા જિલ્લામાં આશ્ચર્યની સાથે સાથે અનેક શંકા કુશંકાઓના વમળો ઘેરાતા ફેક એન.એ કૌભાંડનો ભોગ બનેલા દાહોદના વેપારીઓમાં ખુશી નો માહોલ છવાઈ જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં ફેક એન.એ નુ કૌભાંડ પ્રકાશમાં આવતા આ કથિત બહુચર્ચીત કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડ મનાતા દાહોદના એક નામી બિલ્ડર સહિત ચારથી પાંચ જણાને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ દાહોદના પ્રાંત અધિકારી શ્રીમતી એન.બી. રાજપુત તથા મામલતદાર મનોજકુમાર મિશ્રા દ્વારા ઉપલા અધિકારીની સુચનાથી આ કથિત કૌભાંડની ઝીણવટ ભરી તપાસ હાથ ધરાતા 219 જેટલા સર્વે નંબરો તપાસમાં શંકાસ્પદ જણાવી આવ્યા હતા. જે સર્વે નંબરોની તપાસ હાથ ધરી તે પૈકીના શંકાના દાયરામાં આવેલા એક સર્વે નંબર પાસેની ગરબાડા રોડ પરની સરકારી ખરાબાની 400 ગુંઠા જમીનમાં બાંધવામાં આવેલી 150 થી વધુ દુકાનો તેમજ ગોડાઉનોનો સર્વે કરી ડીમાર્કેશનની કામગીરી કરાયા બાદ દિન સાતમાં તે દૂર કરવાની તાકીદ કરતી નોટીસ દાહોદ મામલતદાર દ્વારા આપવામાં આવી હતી. અને તે નોટિસની મુદત પૂરી થાય તે પહેલા જ તે દુકાનોના માલિકો પૈકીના કેટલાક લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં બે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. અને ગઈકાલે તેના હિયરિંગ બાદ ગુજરાત હાઇકોર્ટે દાહોદના તે વેપારીઓને દિવાળી સુધીની આંશિક રાહત આપતા ફેક એન એ કૌભાંડનો ભોગ બનેલા વેપારીઓમાં આનંદની લાગણી ફેલાવવા પામી હતી. અને ગુજરાત હાઇકોર્ટે આપેલ આંશિક રાહતની મુદત પૂરી થાય તે પહેલા જ ફેક એન એ ના આ કથિત કૌભાંડની તપાસ કરનારા દાહોદના પ્રાંત અધિકારી શ્રીમતી એન બી રાજપુતની રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં એકાએક બદલી કરી તેમની જગ્યાએ દાહોદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ કુમાર દવેને મૂકવામાં આવ્યા છે. જ્યારે દાહોદના મામલતદાર એમ કે મિશ્રાની પણ જાહેર હિતમાં બદલી કરી તેમની જગ્યાએ હાલોલના મામલતદાર પ્રદીપસિંહ બી ગોહિલને મૂકવામાં આવતા ફેક એન એ ના આ કથિત કૌભાંડની તપાસ કરતા આ બંને અધિકારીઓની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ અધવચ્ચે બદલી કરી દેવામાં આવતા જિલ્લામાં અનેક શંકા કુશંકાઓના વમળ ઘેરાવા પામ્યા છે. ત્યારે જાહેર હિતમાં કરાયેલી આ બંને અધિકારીઓની બદલી બાદ ફેક એન એ ના આ કથિત કૌભાંડની તપાસ આગળ વધશે કે પછી અહીંથી જ અટકી જશે? તેવા અનેક વેધક પ્રશ્નો હાલ દાહોદની જનતામાં ચર્ચાના એરણે છે.
દાહોદના ફેક એન.એ કૌભાંડની તપાસમાં જોતરાયેલા દાહોદના પ્રાંત અધિકારી તથા મામલતદારની જાહેર હિતમાં અધવચ્ચે જ બદલી કરી દેવાતા અનેક શંકા કુશંકાના વમળો ઘેરાયા
Views: 21
Read Time:3 Minute, 54 Second