ગત સવારે દાહોદ ઈન્દોર હાઇવે પર આવેલ મહિન્દ્રા શોરૂમની સામે રોડ પર પગપાળા જઈ રહેલા 29 વર્ષીય યુવાનને પુરપાટ દોડી આવતું અજાણ્યું વાહન ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગત રોજ સવારના સાતેક વાગ્યાના સુમારે મૂળ વરમખેડા ગામનો વતની અને હાલ રળીયાતી 480 સરકારી વસાહતમાં રહેતો 29 વર્ષ દિનેશભાઈ છગનભાઈ સંગાડીયા ઇન્દોર હાઇવે પર આવેલા મહિન્દ્રા શોરૂમની સામે રોડ પર પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ દોડી આવતું અજાણ્યું વાહન દિનેશભાઈ સાંગડીયાને જોશભેર ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા દિનેશભાઈ સંગાડીયાને માથામાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસને થતાં જ તે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મરણજનાર દિનેશભાઈ સંગાડીયાની લાશનુ પંચો રૂબરૂ પંચનામુ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી હતી. મરણ જનાર દિનેશભાઈ સંગાડીયાની વિધવા પત્ની આશાબેન દિનેશભાઈ સંગાડીયાએ આ સંબંધે નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ એ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.